૧૯૯૧માં નાણાં પ્રધાન થતાં પહેલાં મનમોહનસિંહે નરસિંહરાવ સમક્ષ બે શરતો મૂકેલી એમ કેટલાક જાણકારો કહે છે:
(૧) જ્યાં સુધી તમે વડા પ્રધાનપદે રહો ત્યાં સુધી હું નાણાં પ્રધાન રહું જ. મને વચ્ચે ગમે ત્યારે કાઢી મૂકવાનો નહિ.
(૨) કોંગ્રેસ પક્ષ માટે નાણાં એકત્ર કરવાનું કામ મારું નહિ.
પ્રથમ નાણાં પ્રધાન તરીકે અને પછી વડા પ્રધાન તરીકે મનમોહનસિંહ દ્વારા જે નીતિવિષયક પગલાં લેવાયાં તેને પરિણામે મનમોહનસિંહ ભારતના રાજકીય અને આર્થિક ઇતિહાસમાં અમર થઈ ગયા છે. આ પગલાં નીચે મુજબ છે:
(૧) ૧૯૯૧માં તેમણે નાણાં પ્રધાન તરીકે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની જે નીતિ અપનાવી તેણે ભારતનું અર્થતંત્ર જડમૂળથી બદલી નાખ્યું. એ એક મોટો આર્થિક ભૂકંપ હતો કે જે રચનાત્મક અને સંઘર્ષમય હતો. અત્યારે ભારતમાં જે કંઈ આર્થિક અને માળખાગત વિકાસ દેખાય છે અને ભવિષ્યમાં દેખાશે તે એ નીતિને આભારી છે.
(૨) ૨૦૦૪-૧૪ના તેમના વડા પ્રધાનપદ સમયે જીડીપીનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર ૭.૫ ટકા રહ્યો. આટલો ઊંચો વિકાસ દર એ પહેલાં કે એ પછી કદી રહ્યો નથી.
(૩) આ જ દસ વર્ષના ગાળા દરમ્યાન બે વખત વૃદ્ધિ દર ૧૦ ટકા કરતાં પણ વધુ રહ્યો કે જે તે પછી કદી સિદ્ધ થયો નથી. અગાઉ પણ તે એક જ વર્ષે રાજીવ ગાંધીના શાસન દરમ્યાન રહ્યો હતો.
(૪) તેમના દસ વર્ષના શાસન દરમ્યાન માહિતીનો અધિકાર અને ગ્રામ વિસ્તારોમાં રોજગારીનો અધિકાર કાયદા દ્વારા પ્રસ્થાપિત થયા. મનરેગામાં તો સામાજિક ઓડિટની જોગવાઈથી પ્રત્યક્ષ લોકશાહીને બળ મળ્યું.
(૫) તેમના શાસન દરમ્યાન જમીન સંપાદન કાયદામાં લોકોની સંમતિ મહત્ત્વની બને તેવો સુધારો થયો.
(૬) દસ વર્ષના તેમના જ કાર્યકાળમાં શિક્ષણના મૂળભૂત અધિકારને અમલમાં મૂકવા માટેનો કાયદો થયો.
(૭) તેઓ પોતે ઉદારીકરણમાં અને મુક્ત બજારમાં માનતા હોવા છતાં તેમણે અસંગઠિત ક્ષેત્રના કામદારોના સામાજિક કલ્યાણ અને સામાજિક સલામતી માટે છ કાયદાઓ ઘડ્યા.
(૮) તેમણે ૧૧૭ પત્રકાર પરિષદો સંબોધીને જાહેર ચર્ચાને પ્રોત્સાહન આપ્યું અને પત્રકારોને તેમણે મન કી બાત કરી. તેમના કરતાં વધુ સમય શાસન કરનાર ઇન્દિરા ગાંધી અને જવાહરલાલ નહેરુ કરતાં પણ વધુ વખત તેઓ પત્રકારોને જાહેરમાં મળ્યા અને તેમના સવાલોના ઉત્તરો આપ્યા! દ્વિમર્ગી સંવાદને તેમણે હંમેશાં એ રીતે પોષણ આપ્યું અને આમ લોકશાહીને મજબૂત બનાવવામાં ફાળો આપ્યો.
(૯) સૌથી અગત્યનો મુદ્દો એ કે જ્યારે ૨૦૦૮-૧૦ દરમ્યાન દુનિયાભરમાં મંદી આવી ત્યારે ભારતમાં તેની અસર ઝાઝી થઈ જ નહિ અને સરેરાશ ૬.૫ ટકાનો વૃદ્ધિ દર સિદ્ધ થયો એ એમની અર્થશાસ્ત્રી તરીકેની કુશળતા. લોકોને મંદીની બહુ અસર થઈ નહોતી.
એક પત્રકારના મતે મનમોહનસિંહ અકસ્માતે બનેલા વડા પ્રધાન હતા, ભલે, પણ ભારતના આર્થિક અને રાજકીય ઇતિહાસ માટે એ એક સુખદ અકસ્માત હતો કારણ કે અટલબિહારી ૨૦૦૪માં ફરી ચૂંટાયા હોત તો દેશ કેટલી જલ્દી આજની દશામાં આવી પડ્યો હોત!
મનમોહનસિંહના શાસન દરમ્યાન થયેલા RTI અને MANREGA જેવા કાયદા અત્યારના તાનાશાહી શાસનને બહુ નડે છે એ જ એમની મહાન સિદ્ધિ છે. બે ભાજપી શાસન વચ્ચે આવેલું મનમોહનસિંહનું સરદારી બફર બહુ અસરદાર રહ્યું એ લોકશાહી ભારતનું સદનસીબ.
- પ્રો. હેમંતકુમાર શાહ
તા.૨૭-૧૨-૨૦૨૪.