ગામડાઓમાં ઘર/મકાનમાં કઈ વસ્તુને આપણે કયા નામે ઓળખતા
(૧) ખોરડું : - કાચું ગાર માટીની દીવાલવાળું દેશી નળિયાં અને વાંસની પટ્ટીઓથી (જેને આપણે વંઝીઓ કહેતા) બનાવેલ રહેઠાણ
(૨) પછીત : - ઘરની પાછળની દીવાલ
(૩) કરો : - જેના પર મોભ (મજબૂત લાકડું) ટેકવ્યું હોય એ મકાનની બે સામ સામેની દીવાલ,
(૪) મોભારુ/મોભ : - બે દીવાલમાં કરાની દીવાલને જોડતું મજબૂત લાંબુ લાકડું,
(૫) ભડો/ ભડુ :- એ દીવાલ કે જ્યાં બારસાખ (બારણું) મુકવામાં આવે,
(૬) બારસાખ :- મજબૂત લાકડામાંથી બનાવેલું ચોકઠું કે જેમાં કમાડ (બારણું) ફીટ કરવામાં આવે,
(૭) ઘોડલિયા : - બારસાખને સાંધતા બે ઘોડલા કે જેના પર લગ્ન પ્રસંગે ભરત ગૂંથણ કે તોરણ મૂકી સુશોભન કરી શકાય,
(૮) પાણિયારુ : - જેમાં ગોળો, હેલ, કળસિયો (લોટો), પ્યાલો (ગ્લાસ) મૂકવાની જગ્યા કે જે ઓસરીમાં પડતી રાઘંણીયાની બહારની દીવાલમાં સ્થિત હોય છે,
(૯) ફલી :- જે પાણીઆરાની બાજુમાં લાકડાની બનાવેલ હોય,
(૧૦) રાધંણીયુ :- ગાર માટીથી લીપેલી એક અલાયદી ઓરડીવાળી જગ્યા,
(૧૧) આગંણુ :- ઘરની આગળનો ભાગ જેને ગાર માટીથી લીપીને બનાવેલ હોય,ઘરની આગળની ખુલ્લી જગ્યા કે જે ઘરની ચોતરફ અથવા આગળની જગ્યા કે જેની ફરતે વંડી હોય છે, ગામડા ગામમાં આગંણામાં તુલસીનો ક્યારો, ગાય-બળદની ગમાણ (કોઢ કે ઢાળિયું) એકાદ વૃક્ષ હોય છે, જે ઘરની શોભાને ચાર ચાંદ લગાવે છે,
(૧૨) ઓસરી :- ઘરમાની આગળનો ભાગ
(૧૩) ઘરમો :- ઓસરીની પાછળનો ભાગ,જ્યાં ધન,ધાન્ય,ગાદલા ગોદળા,ઘરવખરી રખાય,
(૧૪) દોઢી :- ઓસરીની આગળનો ભાગ,
(૧૫) મજુસડો :- માટીનો બનાવેલ ઐક ટાઈપનો કપાટ,જે ઘરમા માં રખાતો
(૧૬) ડામચીઓ :- ગાદલા ગોદળા રાખવા માટે ટેબલ જેવું ત્રણ પાયા વાળી બનાવેલ વસ્તુ,જે ઘરમા માં અથવા ઓસરી,ઓરડીમાં રખાતો
(૧૭) પટારો :- લાકડાની મોટી કપાટ જેવી પેટી,જે ઘરમા માં રખાતો,
(૧૮) કોઠીલુ :- જે માટીમાંથી બનતું, એમાં અનાજ ભરાતું, એ ઘરમા માં રખાતુ,
(૧૯) મણ :- જે માટીમાંથી બનતો મોટા ઘડા જેવું પણ પેટ વાળું,
(૨૦) ગાગેળી :- નાનો માટીનો ઘડો
(૨૧) છમલકી :- જે માટીમાંથી બનતી,એ છાસ દહીં વગેરેના ઉપયોગ માં લેવાય,
(૨૨) ઘડો :- માટીમાંથી બનાવવામાં આવતું પાણી ભરવાનું સાધન,
(૨૩) ઢુમણો :- માટીમાંથી બનાવેલ કરસીયે જવા વપરાતું,અથવા મણ,ઘડા પર ઢંકાતુ સાધન,
(૨૪) કૂલકી :- માટીમાંથી બનતી નાની કુલડી,
(૨૫) કોડીયુ :- દિવો કરવા માટીમાંથી બનાવેલ એક સાધન,
(૨૬) બદક :- માટીમાંથી બનાવેલ બોત,બતક જે ખેતરે પાણી ભરી પાણી પીવા લઈ જવાતું સાધન,
(૨૮) ખીંટી :- ઓસરીની દીવાલમાં આશરે અડધો ફૂટ લાકડાની કલાત્મક ખીંટી કે જેના પર પાઘડી, તલવાર, કપડાં, થેલી વગેરે લટકાવી શકાય,
(૨૯) નેજવું :- છતને થાંભલી સાથે ટેકવવા માટે લાકડાનું નેજવું મૂકવામાં આવે છે, જે કાષ્ટકલાનો અદ્દભુત નમૂનો પણ હોય છે,
(૩૦) મોતિયું :- નેવા પર નળિયાંને ટેકવાનું વપરાતું લાકડું,
(૩૧) ગોખ :- ઓરડાની ઓસરીમાં પડતી દીવાલમાં બારણાથી થોડે ઉપર મૂકવામાં આવતો ઝરુખો (હવાબારી)
(૩૨) વંડી :- મકાનની ચાર અથવા ત્રણ બાજુ માટીની બનાવેલ આશરે ૬થી ૮ ફૂટની દીવાલ,
(૩૩) ભિત :- મકાનો માં ઉભી કરાતી દિવાલ,
(૩૪) મેડી/માઢ : - ઘરની વંડી(દીવાલ)ના પ્રવેશ દ્વાર પર બનાવવામાં આવતો બીજો માળ,
(૩૫) ગોખલો :- વંડી(દીવાલ)માં ડેલીની બંને બાજુ બહારની દીવાલે માટીનાં કોડિયાં મૂકવા માટેની જગ્યા,
(૩૬) આગરીઓ :- લાકડાના કમાડને લોક કરવા વપરાતો લાકડાનો હાથો,
(૩૭) છજુ :- માટીની કાચી (વંડી) દીવાલ પર વરસાદી પાણીથી થતું ધોવાણ રોકવા ઘાસ અને માટીથી બનાવેલું છાજુ,
(૩૮) ફળિયું :- લોક સમુહનો વાસ,
(૩૯) કોઢ :- આગંણામાં બકરી ગાય ભેંસ કે બળદ બાંધવાની જગ્યા,
(૪૦) ગમાણ :- બકરી-ગાય-ભેંસ, બળદને ચારો નાખવાની જગ્યા,
(૪૧) પડથાર :- આગંણાથી ઓસરીની ઊંચાઈ કે જે આશરે બે, ત્રણ કે પાંચ ફૂટ પણ હોઈ શકે. ઊંચી પડથારવાળા મકાનની શોભા અનેરી હોય છે,
(૪૨) છીપર :- કપડા ધોવા વપરાતો મોટો સપાટ પતલો પાણો,
(૪૩) લેલુઓ :- લાલ ચીકણી માટી જે મકાન વનાવવામાં વપરાય,
(૪૪) ધોરી માટી :- જે ઘરને કલઈ ચુનાની જેમ રંગવા કામ લાગતી,
(૪૫) ખાવાની માટી :- જે પીસ્તાગ્રીન કલરની રહેતી,જેનાથી માથું ધોવાતુ,સ્ત્રીઓ,બાળકોએ માટી ખાતા,
(૪૬) સંઘર :- બકરી-ગાય-ભેસ-બળદને બાધવાની તથા કમાળને વાસવાની સાકંળ,
(૪૭) છીકો :- છાસ,દુધ,દહી,માખણ ને ઉચે લટકાવવા વપરાતું રસીને ગુથીને બનાવાતુ છીકલુ,
(૪૮) ગોણીયો :- ત્રામ્બા,પિતળનો કળશો,
(૪૯) બોઘેણુ :- ત્રામ્બા,પિતળનુ પાલતુ પશુઓનુ દુધ ભેગું કરવા વપરાતું સાધન,
(૫૦) હેલ :- પાણી ભરવા વપરાતો કળશો અને દેગ,
(૫૧) ગોરી :- છાસ કરવા વપરાતું માટીનો મોટો ગોરો,
આવા તો હજી કેટલાય શબ્દો છે જે હવે વિસરાઈ રહ્યા છે....